વોશિંગ્ટન
વસ્યું નગર નાનકું નદીકિનારે કેવું રૂડું
વ્યવસ્થિત બધું, લફાન્ટકૃત યોજનાબદ્ધ, જ્યાં
નવીન ગણતંત્રના જન બધાં નિઃસંકોચથી
હરીફરી શકે બધે જ ઘર માનતાં, મ્હાણતાં,
સુલભ્ય સહુને બધું, સુગમ સર્વઃ ઉદ્યાન, ઝૂ,
મ્યુઝિયમ પ્રસિદ્વ, સંસદ, પ્રશસ્ય ગ્રંથાલય,
થિયેટર, કલા અનેકવિધ, કેન્દ્ર સંસ્કૃતિનાં,
મહાપુરુષ તેમ સૈનિક અજાણનાં સ્મારકો.
ન એક અહીં સ્કાયસ્ક્રેપર, ન ખીણ કોંક્રીટની,
ન મિલ ધૂમ ઓકતી, ન ભમરાળું કો ભૂંગળું,
ન ભવ્ય અહીં રાજમ્હેલ, નહીં દુર્ગ, કારાગૃહો,
મહા વિજયનાં ન તોરણ, ન દારૂગોળા વળી,
અહીં ન ભભકો કશો, ન ધૂમધામ આડંબર,
છતાં નગર પાટવી મહત વિશ્વસત્તા તણું.
|
ફિલાડેલ્ફિયા
હતું સપનું પેનનું નગર હોય બંધુત્વનું
જ્યહીં જન સ્વતંત્ર હો, વિવિધ સંપ્રદાયી સ્તવે
અભીક નિત ધર્મ, કર્મ કરતા જનો ફાવતું,
ઉકેલ કરવા સવાલ સહકાર, સંવાદથી.
વિચારબીજ આ પ્રફુલ્લિત થયા મહા-રાષ્ટ્રમાં,
બુલંદ થઇ ઘોષણા અહીં જ લોકસ્વાતંત્ર્યની,
થયા અહીં વિવાદ વાદ, નવરાષ્ટ્ર બંધારણે
સુયોજન થયું પછીઃ લઘુમતી બધી રક્ષવી,
સ્વતંત્ર વળી વાણી, હો કડવી તો ય તે બક્ષવી,
સહિષ્ણુ ગણતંત્ર, મંત્ર વળી વ્યક્તિસ્વાતંત્ર્યનો
ભણી, જીવનમર્મ, મુક્તિ, સુખ શાંતિ પામે બધાં.
પવિત્ર લહું જન્મભૂમિ નવ રાષ્ટ્રની જ્યાં થયો
પ્રયોગ સહયોગ ક્વેકરપ્રણીત માનવ્યનો,
હજુય હજુ ચાલતો સતત, અંત એનો ન હો.
|